Saturday, February 5, 2011

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનું વધુ એક અપમાન


પ્રાણીઓની હિલચાલ ઉપર નજર રાખવા માટે પહેરાવાતું જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના
પગમાં બેડીની માફક નંખાયું. પોતાના ઇમિગ્રેશન કૌભાંડને ઢાંકવા માટે અમેરિકા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓનું અપમાન અસહ્ય છે

દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનની કચેરીનો હેલ્પલાઇન નંબર ૩૦મી જાન્યઆરીના દિવસે સતત રણકતો રહ્યો, પરંતુ કોઈએ ફોન ન ઉપાડ્યો. આટઆટલા ફોન આવવા પાછળ ચૂંટણી કે અન્ય કોઈ કારણ ન હતું. કેટલાંક બાળકોના વાલીઓ ચિંતામાં હતા. વળી, એ બાળકો ભારતમાં નહીં પણ
વિદેશની ભૂમિ ઉપર તકલીફમાં મુકાયાં હતાં. અમેરિકાની ટ્રાઈ વેલી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલાં સંતાનોના સમાચાર ટીવી ઉપર જોઈને વાલીઓ બેબાકળા થઈ ગયા.

ટ્રાઈ વેલી યુનિવર્સિટીમાં ભણી રહેલા વિદ્યાર્થીઓની હિલચાલ ઉપર નજર રાખવા દરેકના પગે જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ (ઉપકરણ) લગાવવામાં આવ્યું. આ ડિવાઇસ દ્વારા વ્યક્તિ કયા સ્થળે છે તેેની સેટેલાઇટ દ્વારા જાણવામાં મદદ મળી રહે. રેડિયોકોલરની વ્યાખ્યા પ્રમાણે જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ એવું ઉપકરણ છે જે પ્રાણીઓના ગળે પટ્ટામાં બાંધવામાં આવે છે. જેનાથી જંગલમાં મુક્તપણે વિહરતાં પ્રાણીઓની રજેરજની માહિતી મળતી રહે. જરા વિચાર કરો ક્યાં પ્રાણીઓ અને ક્યાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ? આ વાત બહાર આવી કે આખી દુનિયામાં હોબાળો મચી ગયો. હદ તો ત્યારે થઈ કે એક અમેરિકન અધિકારીએ એવું કહ્યું કે, આ વાતને આટલી ગંભીરતાથી
શા માટે લો છો? પગમાં એક પટ્ટો જ પહેરાવ્યો છે ને? પગમાં બેલ્ટ પહેરવાની તો આજકાલ ફેશન છે!

ડિવાઇસ લગાવવા પાછળનું કારણ પણ જાણીએ. અમેરિકાની ડિસ્ટ્રિક્ટ એટર્નીની કચેરીએ કરેલી ફરિયાદને આધારે અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) એ ટ્રાઈવેલી યુનિવર્સિટી પર દરોડો પાડ્યો અને તેને બોગસ જાહેર કરી. આ બનાવ બનવાથી અનેક ભારતીય વિદ્યાર્થીઓના નસીબ અને તેમની કારકિર્દી પર સીધી અસર પડે તેવા સંજોગો ઊભા થયા.
અમેરિકાના પ્લેઝન્ટન નામના શહેરમાં આવેલી ટ્રાઈ વેલી યુનિવર્સિટી ફિલોસોફી, એન્જિ
નિયરિંગથી માંડીને રાજકારણને લગતા ઘણા બધા અભ્યાસક્રમો ભણાવે છે. આધારભૂત સૂત્રો પ્રમાણે આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૯૫ ટકા વિદ્યાર્થીઓ ભારતીય મૂળના છે. જે
માં મોટા ભાગના વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશના છે. એક વેબસાઇટમાં જણાવ્યા મુજબ યુનિવર્સિટીને ફેબ્રુઆરી, ૨૦૦૯માં ૩૦ વિદ્યાર્થીઓના વિઝાની મંજૂરી આપવામાં આવી હતી. મે, ૨૦૦૯માં અહીં એવા ૧૧ વિદ્યાર્થીઓ હતા
કે જેમને એફ૧ વિઝા મળ્યો હતો. ૨૦૧૦ના મે મહિના સુધીમાં આ આંકડો ૯૩૯ સુધી પહોંચી ગયો! એક માહિતી પ્રમાણે આ યુનિવર્સિટીએ ૧,૫૫૫ વિદ્યાર્થીઓને ખોટી રીતે વિઝા મેળવવામાં સહાય કરી હતી. ટ્રાઈવેલી યુનિવર્સિટીએ વિઝાને લગતા દસ્તાવેજો ઇશ્યૂ કરવા માટે ટ્યૂશનફીમાં લાખો ડોલરની કમાણી કરી છે. વિદેશથી આવતા વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે સ્ટુડન્ટ ઇમિગ્રેશન સ્ટેટસ આપ્યું છે. હોમલેન્ડ સિક્યોરિટી કાયદા હેઠળ આ વિદ્યાર્થીઓને કસ્ટડીમાં રાખવામાં આવ્યા. તેમને ૨.૨૫ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીનાં બોન્ડ ભરવા માટે કહેવામાં આવ્યું. યુનિવર્સિટીને તળે રેલો આવ્યો એટલે એમણે વિદ્યાર્થીઓની દરેક હિલચાલ પર સતત ધ્યાન રાખી શકાય તે માટે તેમના પગ પર રેડિયોકોલર ઉપકરણ લગાવી દીધાં.

તેલુગુ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકાના જયરામ કોમાટી કહે છે, ‘ગેરકાયદે એડ્મિશન થયાં એમાં વિદ્યાર્થીઓનો શો વાંક? હકીકતમાં વાંક તો એ યુનિવર્સિટીનો છે. કાયદાનો ભંગ તો એમણે કર્યોે છે.

વિદ્યાર્થીઓના પગે પટ્ટો બાંધવો એ તો અમાનવીય કૃત્ય છે. તો કાર્તિકેયન નામના ૨૮ વર્ષના એક યુવાને પોતાની વેદના ઠાલવતાં જણાવ્યું કે હું તો મારા કૂતરાને ગળે પણ પટ્ટો નથી બાંધતો. જ્યારે મારી બહેનના પગે એ ઉપકરણ બાંધવામાં આવ્યું ત્યારે મને હીનતાની અનુભૂતિ થાય છે. ત્યાં ભણતી મારી બહેન પાસે એ પહેરવા સિવાય કોઈ રસ્તો પણ નથી.

અમેરિકી એરપોર્ટ પર આપણા દેશના નેતાઓની સઘન તપાસ થાય કે પછી ભારતીય સેલિબ્રિટીની લાંબી ઓળખપરેડ કરીને હેરાન કરવામાં આવે, આવા કિસ્સાઓ વારંવાર બનતા રહે છે. એ જ દેશમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે આ વર્તનનું પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ કહેશે.

જોકે અનેક અપમાનો થવા છતાં વિદેશ અને તેમાં પણ અમેરિકા જવા માટે ભારતીય લોકોના મોહમાં કદીય ઘટાડો થતો નથી. અમેરિકા જવા માટેનો વિઝા મળી જાય ત્યારે જાણે સ્વર્ગનાં તમામ સુખો મળી ગયાં હોય તેવી અનુભૂતિ ધરાવતા અનેક લોકો અને ખાસ તો વિદ્યાર્થીઓ માટે આ ચેષ્ટા આવનારા સમય સામે લાલબત્તી સમાન છે.

No comments:

Post a Comment