Saturday, February 5, 2011

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનું વધુ એક અપમાન


પ્રાણીઓની હિલચાલ ઉપર નજર રાખવા માટે પહેરાવાતું જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના
પગમાં બેડીની માફક નંખાયું. પોતાના ઇમિગ્રેશન કૌભાંડને ઢાંકવા માટે અમેરિકા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓનું અપમાન અસહ્ય છે

દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનની કચેરીનો હેલ્પલાઇન નંબર ૩૦મી જાન્યઆરીના દિવસે સતત રણકતો રહ્યો, પરંતુ કોઈએ ફોન ન ઉપાડ્યો. આટઆટલા ફોન આવવા પાછળ ચૂંટણી કે અન્ય કોઈ કારણ ન હતું. કેટલાંક બાળકોના વાલીઓ ચિંતામાં હતા. વળી, એ બાળકો ભારતમાં નહીં પણ
વિદેશની ભૂમિ ઉપર તકલીફમાં મુકાયાં હતાં. અમેરિકાની ટ્રાઈ વેલી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલાં સંતાનોના સમાચાર ટીવી ઉપર જોઈને વાલીઓ બેબાકળા થઈ ગયા.

ટ્રાઈ વેલી યુનિવર્સિટીમાં ભણી રહેલા વિદ્યાર્થીઓની હિલચાલ ઉપર નજર રાખવા દરેકના પગે જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ (ઉપકરણ) લગાવવામાં આવ્યું. આ ડિવાઇસ દ્વારા વ્યક્તિ કયા સ્થળે છે તેેની સેટેલાઇટ દ્વારા જાણવામાં મદદ મળી રહે. રેડિયોકોલરની વ્યાખ્યા પ્રમાણે જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ એવું ઉપકરણ છે જે પ્રાણીઓના ગળે પટ્ટામાં બાંધવામાં આવે છે. જેનાથી જંગલમાં મુક્તપણે વિહરતાં પ્રાણીઓની રજેરજની માહિતી મળતી રહે. જરા વિચાર કરો ક્યાં પ્રાણીઓ અને ક્યાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ? આ વાત બહાર આવી કે આખી દુનિયામાં હોબાળો મચી ગયો. હદ તો ત્યારે થઈ કે એક અમેરિકન અધિકારીએ એવું કહ્યું કે, આ વાતને આટલી ગંભીરતાથી
શા માટે લો છો? પગમાં એક પટ્ટો જ પહેરાવ્યો છે ને? પગમાં બેલ્ટ પહેરવાની તો આજકાલ ફેશન છે!

ડિવાઇસ લગાવવા પાછળનું કારણ પણ જાણીએ. અમેરિકાની ડિસ્ટ્રિક્ટ એટર્નીની કચેરીએ કરેલી ફરિયાદને આધારે અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) એ ટ્રાઈવેલી યુનિવર્સિટી પર દરોડો પાડ્યો અને તેને બોગસ જાહેર કરી. આ બનાવ બનવાથી અનેક ભારતીય વિદ્યાર્થીઓના નસીબ અને તેમની કારકિર્દી પર સીધી અસર પડે તેવા સંજોગો ઊભા થયા.
અમેરિકાના પ્લેઝન્ટન નામના શહેરમાં આવેલી ટ્રાઈ વેલી યુનિવર્સિટી ફિલોસોફી, એન્જિ
નિયરિંગથી માંડીને રાજકારણને લગતા ઘણા બધા અભ્યાસક્રમો ભણાવે છે. આધારભૂત સૂત્રો પ્રમાણે આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૯૫ ટકા વિદ્યાર્થીઓ ભારતીય મૂળના છે. જે
માં મોટા ભાગના વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશના છે. એક વેબસાઇટમાં જણાવ્યા મુજબ યુનિવર્સિટીને ફેબ્રુઆરી, ૨૦૦૯માં ૩૦ વિદ્યાર્થીઓના વિઝાની મંજૂરી આપવામાં આવી હતી. મે, ૨૦૦૯માં અહીં એવા ૧૧ વિદ્યાર્થીઓ હતા
કે જેમને એફ૧ વિઝા મળ્યો હતો. ૨૦૧૦ના મે મહિના સુધીમાં આ આંકડો ૯૩૯ સુધી પહોંચી ગયો! એક માહિતી પ્રમાણે આ યુનિવર્સિટીએ ૧,૫૫૫ વિદ્યાર્થીઓને ખોટી રીતે વિઝા મેળવવામાં સહાય કરી હતી. ટ્રાઈવેલી યુનિવર્સિટીએ વિઝાને લગતા દસ્તાવેજો ઇશ્યૂ કરવા માટે ટ્યૂશનફીમાં લાખો ડોલરની કમાણી કરી છે. વિદેશથી આવતા વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે સ્ટુડન્ટ ઇમિગ્રેશન સ્ટેટસ આપ્યું છે. હોમલેન્ડ સિક્યોરિટી કાયદા હેઠળ આ વિદ્યાર્થીઓને કસ્ટડીમાં રાખવામાં આવ્યા. તેમને ૨.૨૫ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીનાં બોન્ડ ભરવા માટે કહેવામાં આવ્યું. યુનિવર્સિટીને તળે રેલો આવ્યો એટલે એમણે વિદ્યાર્થીઓની દરેક હિલચાલ પર સતત ધ્યાન રાખી શકાય તે માટે તેમના પગ પર રેડિયોકોલર ઉપકરણ લગાવી દીધાં.

તેલુગુ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકાના જયરામ કોમાટી કહે છે, ‘ગેરકાયદે એડ્મિશન થયાં એમાં વિદ્યાર્થીઓનો શો વાંક? હકીકતમાં વાંક તો એ યુનિવર્સિટીનો છે. કાયદાનો ભંગ તો એમણે કર્યોે છે.

વિદ્યાર્થીઓના પગે પટ્ટો બાંધવો એ તો અમાનવીય કૃત્ય છે. તો કાર્તિકેયન નામના ૨૮ વર્ષના એક યુવાને પોતાની વેદના ઠાલવતાં જણાવ્યું કે હું તો મારા કૂતરાને ગળે પણ પટ્ટો નથી બાંધતો. જ્યારે મારી બહેનના પગે એ ઉપકરણ બાંધવામાં આવ્યું ત્યારે મને હીનતાની અનુભૂતિ થાય છે. ત્યાં ભણતી મારી બહેન પાસે એ પહેરવા સિવાય કોઈ રસ્તો પણ નથી.

અમેરિકી એરપોર્ટ પર આપણા દેશના નેતાઓની સઘન તપાસ થાય કે પછી ભારતીય સેલિબ્રિટીની લાંબી ઓળખપરેડ કરીને હેરાન કરવામાં આવે, આવા કિસ્સાઓ વારંવાર બનતા રહે છે. એ જ દેશમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે આ વર્તનનું પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ કહેશે.

જોકે અનેક અપમાનો થવા છતાં વિદેશ અને તેમાં પણ અમેરિકા જવા માટે ભારતીય લોકોના મોહમાં કદીય ઘટાડો થતો નથી. અમેરિકા જવા માટેનો વિઝા મળી જાય ત્યારે જાણે સ્વર્ગનાં તમામ સુખો મળી ગયાં હોય તેવી અનુભૂતિ ધરાવતા અનેક લોકો અને ખાસ તો વિદ્યાર્થીઓ માટે આ ચેષ્ટા આવનારા સમય સામે લાલબત્તી સમાન છે.

Friday, February 4, 2011

શ્રદ્ધાંજલિ : ‘ભારતરત્ન’ પંડિત ભીમસેન જોશીનો સૂર થંભી ગયો


પંડિત ભીમસેન જોશીનું નામ પડતાં જ આપણું મસ્તક આદરભેર ઝૂકી જાય. પંડિતજીનો નાભિમાંથી નીકળતો બુલંદ અને ઘૂંટાયેલો અવાજ જાણે સ્વર્ગના ગાંધર્વોની પ્રતીતિ કરાવતો હોય એવું હંમેશાં લાગે. શાસ્ત્રીય સંગીતને વરેલી આ વિરલ હસ્તીની થોડી યાદો વાગોળીએ...

ભારતીય શાસ્ત્રીય સંગીત અને પંડિત ભીમસેન જોશી જાણે એકબીજાના પર્યાય હોય એમ લાગે. એમની ગાયકીને માણતા લોકોને તો જાણે સૂરોનો શહેનશાહ મળી ગયો હોય એમ લાગે પણ પંડિતજી પોતે એટલા તલ્લીન થઈ ગયા હોય કે જાણે ગાતી વખતે એમને ઈશ્વરનો સાક્ષાત્કાર ન થયો હોય? શાસ્ત્રીય સંગીત જ જાણે એમનું ઝનૂન અને જીવન હતું. આ અનોખી પ્રતિભાની કેટલીક રસપ્રદ વાતો વાંચવી સૌને ગમશે.

ચાહકો અને પરિવારજનો એમને અન્ના (મોટા ભાઈ) અથવા ભીમ અન્ના તરીકે ઓળખે. ૨૪મી જાન્યુઆરી, ૨૦૧૧ની સવારે એમણે પૂનાની હોસ્પિટલમાં શ્વાસ છોડ્યા ત્યારે શાસ્ત્રીય ગાયકીનો જાણે યુગ આથમી ગયો હોય એવું સૌને લાગ્યું.

કર્ણાટક રાજ્યના ગદગ નામના શહેરમાં ૪ ફેબ્રુઆરી, ૧૯૨૨ના રોજ તેમનો જન્મ થયો. શિક્ષક પિતા ગુરુરાજ જોશીનાં સોળ સંતાનોમાં સૌથી મોટા દીકરા એટલે ભીમસેન. માનું અવસાન બહુ નાની ઉંમરે થયું એટલે એમનો ઉછેર સાવકી માએ કર્યો.

પિતાની ઇચ્છા એવી હતી કે ભીમસેનજી ડોક્ટર કે એન્જિનિયર બને, પરંતુ જ્યારે તેમણે ઉસ્તાદ અબ્દુલ કરીમખાને રાગ જિંજોતીમાં ગાયેલી રેકર્ડેડ ઠૂમરી પિયા બિન નહીં આવત ચૈન સાંભળી એ ઘડીથી બાળ ભીમસેનને સંગીતકાર બનવાની પ્રેરણા મળી. સંગીત શીખવા માટે યોગ્ય ગુરુની શોધમાં ફક્ત ૧૧ વરસની કુમળી વયે એમણે ઘર છોડી દીધું. ઘરેથી કંઈ રૂપિયા લઈને તો નહોતા નીકળ્યા, ટિકિટ વગર ટ્રેનમાં બેસી ગયેલા. સાથી મુસાફરોએ એમને મદદ કરી ત્યારે તેઓ પૂના પહોંચ્યા. જોકે, ત્યાં એમની સફર પૂરી નહોતી થઈ. એમને તો શાસ્ત્રીય ગાયનની તાલીમ કોઈ પણ ભોગે લેવી જ હતી. આથી પંડિતજી ગ્વાલિયરના મહારાજાઓ દ્વારા ચાલતી માધવ મ્યુઝિક સ્કૂલમાં એ દાખલ થયા. સતત ત્રણ વરસ સુધી ગુરુની શોધમાં ભીમસેનજી સતત ત્રણ વરસ સુધી દિલ્હી, કોલકાતા, ગ્વાલિયર, લખનૌઉ અને રામપુર સહિત ઉત્તર ભારતમાં ફરતા રહ્યા.

૧૯૩૬માં તેમની ખોજનો અંત આવ્યો સવાઈ ગાંધર્વ તરીકે પ્રખ્યાત પંડિત રામભાઉ કુંડગોલકરના મેળાપથી. રામભાઉ પાસે તેમના જ ઘરે રહીને ભીમસેનજીએ સંગીતનું શિક્ષણ લીધું. શાસ્ત્રીય ગાયકીમાં જેમનું નામ આદરભેર લેવાય છે એવાં ગંગુબાઈ હંગલ એ સમયે એમનાં સહાધ્યાયી હતાં.

ફક્ત ઓગણીસ વરસની ઉંમરે ભીમસેન જોશીએ મુંબઈમાં એમની કારકિર્દીનો સૌથી પહેલો લાઇવ કાર્યક્રમ આપ્યો. મુંબઈના ઓલ ઇન્ડિયા રેડિયોસ્ટેશનમાં એક રેડિયોકલાકાર તરીકે તેમણે ફરજ બજાવી. પંડિતજી ફક્ત બાવીસ વરસના હતા ત્યારે એચએમવીએ કન્નડ અને હિન્દી એમ બે ભાષામાં ભક્તિગીતોનું આલબમ પ્રસિદ્ધ કર્યું.

શાસ્ત્રીય ગાયન શીખવાની ખેવના કેમેય પૂરી નહોતી થતી. બંગાળી કલાકાર પહાડી સંન્યાલને સાંભળવા માટે ભીમસેન જોશીએ એમના ઘરે નોકર તરીકે પણ કામ કર્યું છે. શાસ્ત્રીય ગાયનમાં તેમની માસ્ટરીને લોકોની ચાહના મળવા લાગી. વર્ષો વીતવાની સાથે કેટલાક રાગોમાં તેઓ તજ્જ્ઞ બની ગયા. પંડિત ભીમસેન જોશીના મુખેથી શુદ્ધ કલ્યાણ, મિયાં કી તોડી, પુરિયા ધનશ્રી, મુલતાની, ભીમપલાસ, દરબારી અને રામકલી રાગ સાંભળવા એક લહાવો છે. ગાયકીની બાબતમાં પંડિત ભીમસેન ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન ઉપરાંત બીજા ઘણા સંગીતકારો જેમ કે કેસરબાઈ કેરકર, બેગમ અખ્તર અને ઉસ્તાદ આમિર ખાનથી પ્રભાવિત હતા. જોકે કિરાના ઘરાના તેમની ઓળખ છે.

કન્નડ, હિન્દી અને મરાઠી ભાષામાં તેમનાં ભજનો આજે પણ લોકોને સાંભળવાં ગમે છે. તેમની ધાર્મિક રચનાઓમાં દાસવાણી અને એન્ના પાલિસો (કન્નડ ભજનો) તથા સંતવાણી (મરાઠી અભંગ) આલબમ સુપર હિટ થયાં હતાં.

ભીમસેન જોશીનાં લગ્ન બહુ નાની ઉંમરે તેમની પિતરાઈ સુનંદા કટ્ટી સાથે કરી દેવાયાં હતાં. તેમના ઘરે બે દીકરા અને બે દીકરીઓ જન્મી. પંડિત ભીમસેન જોશીએ વત્સલા મુધોલકર સાથે બીજાં લગ્ન કર્યાં. બીજાં લગ્નથી તેમને બે પુત્રો જયંત અને શ્રીનિવાસ અને એક પુત્રી શુભદા અવતર્યાં.

પંડિત ભીમસેન જોશી એક નિર્દોષ, નિરભિમાની અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. ખૂબ જ શાંત અને સરળ જીવન જીવવામાં માનનારા પંડિત ભીમસેન જોશી વિશે બહુ ઓછી જાણીતી પણ માણવાની મજા આવે એવી વાત એ છે કે, શાસ્ત્રીય ગાયકીના સરતાજને કારની પૂરઝડપ ખૂબ જ પસંદ હતી. સંગીતના કાર્યક્રમો આપવા માટે વારંવાર હવાઈ માર્ગે મુસાફરી કરતા હોવાને કારણે એર ઇન્ડિયાના પાઇલટ્સ તેમને ‘ફ્લાઈંગ મ્યુઝિશિયન ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખતા!

૧૯૮૫માં પ્રસિદ્ધ થયેલા ‘મિલે સૂર મેરા તુમ્હારા’ મ્યુઝિક વીડિયો માટે તેમની ખૂબ જ સરાહના થઈ હતી. કેટલીક ફિલ્મો જેમ કે, મન્ના દે સાથેની બસંત બહાર (૧૯૫૬), પંડિત જસરાજ સાથેની બીરબલ માય બ્રધર (૧૯૭૩) તથા તદુપરાંત તાનસેન (૧૯૫૮) અને અનકહી (૧૯૮૫)નાં ગીતો માટે તેમણે પોતાનો સ્વર પ્રદાન કર્યો હતો.

૧૯૫૩માં પોતાના ગુરુની પ્રથમ પુણ્યતિથિની ઉજવણી નિમિત્તે ગુરુ પ્રત્યેની નિષ્ઠા, પ્રેમ અને આદર બતાવવા તેમણે સવાઈ ગાંધર્વ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરેલું. ૧૯૫૩થી માંડીને ૨૦૦૨ની સાલ તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે આ ફેસ્ટિવલનું સંચાલન કર્યું. પૂનામાં યોજાતો આ કાર્યક્રમ એક સાંસ્કૃતિક કાર્યક્રમ ન રહેતાં ભારતીય શાસ્ત્રીય સંગીત માટે માઇલસ્ટોન સમાન બની રહ્યો. શાસ્ત્રીય સંગીતક્ષેત્રે અપાતા લગભગ તમામ એવોર્ડ તેમણે મેળવ્યા. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણથી માંડીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ થી તેમને સન્માનિત કરાયા છે. આવી વિરલ વિભૂતિ પાસે સંગીતની તાલીમ લેનારામાં પંડિત માધવ ગુડી, શ્રીકાંત દેશપાંડે, પંડિત વિનાયક તોરવી, ઉપેન્દ્ર ભાટ, શ્રીનિવાસ જોશી (પંડિત ભીમસેનના પુત્ર), પંડિત રાજેન્દ્ર કંડાલગાંવકર તથા આનંદ ભાટેની ગણતરી સફળ સંગીતજ્ઞો તરીકે થાય છે.

શાસ્ત્રીય સંગીતની જેમનાથી શોભા વધે એવા સંગીતના સરતાજના સૂરો સદાય અમર રહેશે.

Story Published in Abhiyan